રાજકોટ જિલ્લાના ધોરાજીનાં મોટી મારડ ગામમાં રવિવારે વરસેલા 11 ઈંચ વરસાદના કારણે ગામમાં આવેલો ચેકડેમ તૂટ્યો. રવિવારે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં અંદાજે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે સંકટમોચન હનુમાન મંદિર પાસે આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા તૂટયો. આ ઘટના બાદ ગામના સરપંચે સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.


ભરૂચમાં મશીન તણાયું


ભરૂચના ઝઘડિયાના ટોથીદરા ગામ નજીક નર્મદા નદીમાં હીટાચી મશીન તણાયું. નદીના પટ પર ઉભેલું મશીન અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાયુ. નદીમાં ભરતીના કારણે મશીન ઓપરેટર સાથે તણાયું હતું. જો કે ઓપરેટરને અન્ય બોટની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો.


અમદાવાદમાં વરસાદ


અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા હળવા વરસાદથી વાતાવરણ પણ ઠંડુ રહ્યું છે. તો દિવસ દરમિયાન બોડકદેવ અને કોતરપુર વિસ્તારમાં અડધો- અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. બાકીના તમામ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે.


અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 16.34 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં ઝોન મુજબ વરસેલા વરસાદની વાત કરીએ તો પૂર્વમાં છેલ્લા 24 કલાકમાં પોણો ઈંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં પોણો ઈંચ વરસાદ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પોણો ઈંચ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં અડધો ઈંચ, મધ્ય ઝોનમાં પોણો ઈંચ, ઉત્તર ઝોનમાં સવા ઈંચ, દક્ષિણ ઝોનમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.


દિલ્હીમાં વરસાદ


રાજધાની દિલ્લીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારે વરસાદને કારણે વિઝીબિલીટી પણ ઘટી છે.