રાજકોટઃ ગઈ કાલે રાજકોટ જિલ્લાના કાગદડી ગામે આભ ફાટ્યું હતું. રાજકોટ જિલ્લામાં કાગદડી ગામે ખેતરો ધોવાઈ ગયા છે. 100 હેકટરમાં ખેતરો ધોવાઈ ગયા હોવાનો સરપંચનો દાવો છે. ગામમાં કપાસનો પાક પણ ધોવાઈ ગયો છે. વરસાદે ખેડતોના ખેતરોમાં તારાજી સર્જી છે. ભારે વરસાદથી ખેતરોની માટી તણાઈ ગઈ છે.
રાજકોટ તાલુકાના કાગદડી ગામે ગઈ કાલે આભ ફાટ્યું. ગામમાં ભારે વરસાદના કારણે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા અને ગામમાં તારાજી સર્જાઈ. ગામના લોકોએ કહ્યું 60 વર્ષ સુધીમાં આવો વરસાદ ક્યારે પડ્યો નથી. ખેતરોમાં નુકશાન, માલધારીઓના પશુઓ તણાઈ ગયા તો ગામલોકોને ઘરવખરી પલળી ગઈ.
કાગદડી ગામના સરપંચ નું કહેવું છે કે ગામમાં દરેક ક્ષેત્રમાં નુકસાન થયું. સૌથી વધારે ગામના મકાનોની અંદર પાણી ઘુસી જતા રાશન પડી ગયું છે. તો ખેતરોમાં પણ નુકશાન થયું. ખેતરો ધોવાઇ ગયા અને કપાસનો પાક પણ ધોવાઇ ગયો. 100 જેટલા પશુઓ તણાઈ ગયા છે. ગામના તલાટી અને સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. સાથે જ તલાટી દ્વારા ગામની અંદર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામ ગામની 2200ની વસ્તી છે. ગઈ કાલે ભારે વરસાદના કારણે ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. ગઈ કાલે બપોર બાદ ગામમાં જાણે કે આભ ફાટ્યુ અને ગામ લોકોનો દાવો છે કે એક જ ગામમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે બાજુમાંથી નીકળતી નદીનું પાણી ગામમાં અને ખેતરોમાં ઘુસી ગયું. ગામમાં 70થી વધુ મકાનોમાં ઘરવખરી પલળી ગઈ, ઇલેક્ટ્રિક સાધનો પલળી ગયા, તો બિયારણ, ઘઉં અને અન્ય રાસનનો સામાન પણ પડી ગયો.
કાગદડી ગામના ખેડૂતો બે દિવસ પહેલા જ વરસાદ માટે રાહ જોઈ રહ્યા હતા , પરંતુ કાગદડી ગામમાં એવો વરસાદ પડ્યો કે ખેતરો ધોવાઇ ગયા સાથે જ ખેડૂતોનો કપાસનો પાક પણ ધોવાઇ ગયો. ડેમ કાંઠે આવેલા અંદાજિત 100 હેક્ટર જમીનમાં ખેતરો ધોવાયા હોવાનો ગામના સરપંચ નો દાવો છે.
રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઇને ખેડૂતો માલધારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ ગામને બાદ કરતા જિલ્લામાં બે થી લઇ અને આઠ ઈંચ સુધી વરસાદ થી ખેડૂતોના પાક પર કાચું સોનું વરસ્યું છે.