રાજકોટ: દેશમાં ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને આજે અનેક યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બેનરો સાથે વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સફેદ સોનું ગણાતા લસણની પણ હવે ચાઇનાથી ઘૂસણખોરી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા માટે આવ્યું હતું ત્યારે તાત્કાલિક વેપારીઓએ આ લસણને પારખી લીધું હતું. ગોંડલથી શરૂ થયેલો ચાઈનીઝ લસણનો વિરોધ હવે દેશવ્યાપી બની ગયો છે.
માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ
આજે રાજકોટ,ગોંડલ અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સીઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો સફેદ સોના તરીકે લસણને ઓળખે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનો મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં આજે લસણની હરાજી બંધ રહી હતી.
ચાઈનીઝ લસણનો કેમ વિરોધ
1. ચાઈનીઝ લસણ સ્થાનિક લસણની સરખામણીએ ગુણવતા યુક્ત નથી હોતું
2. ચાઈનીઝ લસણની આવક થતાં સ્થાનિક લસણનો ભાવ નીચો રહે છે
3. ચાઈનીઝ લસણનું મોટી કવોન્ટીટીમાં ઉત્પાદન થાય છે જ્યારે કે સૌરાષ્ટ્રનું સ્થાનિક લસણ કવોલીટીમાં સારું હોઈ છે
4. સ્થાનિક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહી તે માટે સરકાર દ્વારા ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
5. છેલ્લા 2 વર્ષથી લસણના સારા ભાવ મળતા ખેડૂતો લસણના વાવેતર તરફ વળ્યા છે
6. સ્થાનિક બજારમાં લસણના ભાવમાં ઉછાળો નોંધાતા ભારતીય બજારોમાં ચાઈનીઝ લસણ ઘૂસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે
7. સ્થાનિક બજારમાં માંગના પ્રમાણમાં ઉત્પાદન ઓછું હોવાના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અહીં સૌથી વધુ લસણની આવક થાય છે. સૌપ્રથમ વખત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ ચાઈનીઝ લસણ આવતા અહીંના વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં ચાઈનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રહી હતી. લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હરાજી બંધ સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા હતા.સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન અપાયું હતું. ચાઈનીઝ લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર દેશમાં ચાઈનીઝ લસણનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ વચ્ચે રાજકોટ યાર્ડથી ભારતના લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચેના ભેદનો વિશેષ રિપોર્ટ એબીપી અસ્મિતા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કઈ રીતે તમે ઓળખી શકો છો કે આ ચાઈનીઝ લસણ છે.