રાજકોટઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અધિકારીઓ સાથે રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. આ સમયે તેમણે સરકારી ભરતીઓ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટે પછી ભરતી પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થશે. જે પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે, એ પ્રક્રિયા સંક્રમણ થોડું ઘટે પછી આગળ વધારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભરતી કરેલી છે. અમે સૌથી વધુ રોજગારી આપેલી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મહામારીમાં ભરતી પ્રક્રિયા અટકી પડી છે, ત્યાર ઉમેદવારો દ્વારા સરકારી ભરતી ફરીથી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. અરવલ્લીમાં ટેટ-ટાટના ૧૦૧ ઉમેદવારો પોતાના ઘરે રહી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ નહિ થતા ઉમેદવારો બેરોજગાર છે.