રાજકોટઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અધિકારીઓ સાથે રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. આ સમયે તેમણે નવરાત્રિ યોજવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિ નહીં યોજાય. આમ, કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજન માટે મંજૂરીના આયોજનની શક્યતા નહીંવત છે.

મુખ્યમંત્રી રૂપાણીએ 27મી જુલાઇએ ગરબા આયોજકોએ મુખ્યમંત્રી સાથે આ મુદ્દે વાત કરી હતી. મુલાકાત પછી ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કામે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.