Lalit Vasoya: પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી  દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.


ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે. પોરબંદર લોકસભાનાં ઉમેદવાર લલિત વસો એ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે.


રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજ્યમાં હાઈપ્રોફાઈલ બનેલી રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. પરેશ ધાનાણી આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી કરતા પહેલા પરેશ ધાનાણી કબા ગાંધીના ડેલાએ પહોંચ્યા છે. આ દરમિયાન અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરેશ ધાનાણીને કિન્નર સમાજે લોકસભા ચૂંટણીમાં વિજય માટે આશીર્વાદ આપ્યા. તો આજે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે બહુમાળી ચોકમાં સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટશે.


નોંધનીય છે કે, આજે લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. શુક્રવારે પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે.


મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જો કે, કેટલાક રાજ્યોમાં મતદાન સમાપ્ત કરવાનો સમય અલગ છે. લોકસભા ચૂંટણીની સાથે શુક્રવારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.


મતદાનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.