રાજકોટ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજકોટ TRP ગેમ ઝોનમાં ભયંકર આગ લાગવાને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહે કહ્યું, ખૂબ જ દુખદ ઘટનાના સમાચાર મળ્યા રાજકોટના ગેમઝોનમાં આગ લાગી.   24 લોકોએ જીવ ગુમાવ્યો છે.  હજુ પણ આંકડો વધે તેવી તંત્ર દ્વારા વાત કરવામાં આવી રહી છે. મને અત્યંત દુખ છે આને રાજકીય રીતે લેવાની જરુર નથી. માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ન હોઈ શકે. એક ઘટના,  બે ઘટના, ત્રણ ઘટના એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતુ નથી ? એ વાતનું મને દુખ છે. નાના નાના ભુલકાઓ જેનુ ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા, ઓળખી ન શકાય એવા થઈ ગયા. કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી કોનો મૃતદેહ છે એ નક્કી કરવું પડશે. 


વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે


શક્તિસિંહે વધુમાં કહ્યું કે, મોરબી બ્રીજની ઘટના હોય કે વડોદરા બોટકાંડ કે સુરતની ઘટના હોય આ નિષ્કાળજી નહી તો શું કહેવાનું આને. ભારતીય જનતા પાર્ટીની સરકારને 156 સીટો આપી ખોબે ખોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી?કોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફ્ટીના પૂરતા પ્રાવધાન રાખો. એકપણ માણસનો જીવ જાય તો કોઈપણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે. શા માટે આવી અનદેખી થાય છે. વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે, હું જવાબદારીપૂર્વક કહું છું, નહી તો આવું ન થાય. કોઈ ખૂણે ખાચકે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતુ હોય તંત્ર શું કરે છે. ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેંદ્રમાં સરકાર છે બધે જ લોકોએ તમને સત્તા આપી છે. જાનમાલની સુરક્ષાએ તમારી જવાબદારી નથી,  શું કરો છો તમે ? ગુજરાતીઓએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તમારી જવાબદારી બેવડી થાય છે. 



એકપણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી


શક્તિસિંહે સરકાર પર  આકરા પ્રહારો કરતા કહ્યું,  અત્યંત દુખ સાથે કહું છે હજી જાગો એકપણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી છે, અમૂલ્ય છે કોઈ મૂલ્યમાં ન આંકી શકાય. સરકાર આટલી આટલી ઘટનાઓ પછી પણ આંખ આડા કાન કરીને બેઠી છે. હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા કે બધા જ ગેમઝોન બંધ કરી દો. હવે ફાયર સેફ્ટી હશે, કાયદેસર ચાલતુ હશે તે પણ બંધ કરશે, થોડા દિવસ પાછા હપ્તા લઈને ફરી પાછો એ જ ધંધો ચાલુ થશે. 


નાના બાળકોનો કોઈ ગુનો નહોતો


મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે તેવી આશા રાખુ છું. જે વ્યક્તિઓએ જે પરિવારેએ જેમના સભ્યો ગુમાવ્યા છે કૉંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુખમાં હું ભાગીદાર થાવ છું. મારા તરફથી આ દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. નાના બાળકોનો કોઈ ગુનો નહોતો, એ પરિવારનો કોઈ ગુનો નહોતો એ તો સરકારના ભરોસે ગયા હોય કે,  ગેમઝોન ચાલે છે ને બધુ કાયદેસર હશે અમે સુરક્ષિત રહીશું એમ માનીને વેકેશનમાં એ બાળકો ગયા હોય એમણે જીવ ગુમાવ્યા. શું નૈતિકતાના આધાર પર આ સરકારે કંઈ સ્વિકારવાનું છે કે હજી ઠીકરા કોઈક ઉપર જ ફોડવાના છે મને ખબર નથી પડતી કમસેકમ ઈશ્વરનો તો ડર રાખો   એટલુ જરુર કહીશ.  દિવ્ય આત્માઓને મારા તરફથી શ્રદ્ધા સુમન.