રાજકોટ : હાલ રાજ્યમાં કોરોના સંકટ ચાલુ રહ્યું છે. કોરોના સંકટમાં પણ નકલી તબીબોનો કહેર યથાવત છે. નકલી તબીબો કોરોનાની પણ સારવાર કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. રાજકોટમાં ફરી એકવાર નકલી તબીબ ઝડપાયો છે. રાજકોટમાં નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો.
નકલી તબીબ શ્યામ રાજાણી અને પિતા હેમંત રાજાણી સામે આ પહેલા પણ બોગસ તબીબ અને સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરી કરી હોવાનો ગુનો પણ નોંધાયો હતો. નકલી ડોક્ટર હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હેમંત રાજાણી અને તેનો પુત્ર શ્યામ રાજાણી રેસ્ટોરેન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18 હજાર રૂપિયા ચાર્જ વસુલતા હતા. હાલ તો પિતા હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે અને પુત્ર શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નકલી પિતાપુત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ રહી હતી. રેસ્ટોરન્ટમા ચાલતી આ હોસ્પિટલમાં કોરોનાના કેટલાક પોઝિટિવ દર્દીઓ દાખલ હતા. તો કેટલાક દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરથી સપ્લાય આપવામાં આવી રહ્યો હતો. તો કેટલાકના શરીર પર બાટલા ચઢાવાયેલા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, શ્યામ હેમંતભાઈ રાજાણી આ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. તેમજ હેમંતભાઇ રાજાણી પોતાના દીકરાને આમાં મદદ કરે છે.
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ
શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 19, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9, બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6, ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3, મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1, સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મૃત્યુ થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.