રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હાજર રહેવાના હતા પણ પાટીલ હાજર ના રહેતાં ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.


સી.આર. પાટિલ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિકળ્યા હતા પણ ખરાબ વાતાવરણના કારણે સી.આર પાટીલ નું હેલિકોપ્ટર  ઉડી નહોતું શક્યું. સી. આર. પાટીલ અમદાવાદ એરપોર્ટ ઉપર બે કલાકથી પણ વધારે સમય રોકાયા પણ ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ઉડી ન શક્યું તેથી પાટિલે પાછા જવું પડ્યું હતું.


ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટિલની હાજરીમાં ગોંડલમાં માર્કેટયાર્ડ ખાતે નવનિયુક્ત 77 સરપંચોનું સન્માન કરવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માટે આવનારા સી આર.પાટિલ ના શાનદાર સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજ ના નેતૃત્વમાં આશાપુરા ચોકડી ખાતે સી આર.પાટિલનું સ્વાગત કરવાની તૈયારીઓ કરાઈ હતી પણ પાટિલ પહોંચી ના શકતાં તેમની ગેરહાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.


ગોંડલ ખાતે માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા સરપંચ સન્માન સમારોહમાં ભાજપે જબરદસ્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગોંડલમાં આશાપુરા ચોકડી થી માર્કેટિંગ યાર્ડ સુધી બાઈક રેલી યોજાઈ હતી. વર્તમાન ધારાસભ્યના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેજા હેઠળ વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું.


સી.આર. પાટિલની ગેરહાજરીમાં રાજય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી બાઈક રેલીમાં જોડાયા હતા. માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમયોગી કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ છે.