રાજકોટની પાયલ હોસ્પિટલના વાયરલ સીસીટીવી ફુટેજ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલ એક આરોપી સુરતનો છે જ્યારે બે આરોપી મહારાષ્ટ્રના હોવાનો ખુલાસો થયો છે. સુરતના પરીત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબીન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વીડિયોનું વેચાણ કર્યુ હતુ. તો મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલ ત્રીજો આરોપી વૈભવ માને મુખ્ય આરોપી પ્રજવલ તૈલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યુ હતુ.

Continues below advertisement

સૌથી ચોંકાવનારો અને મહત્વનો એ ખુલાસો થયો છે કે આરોપીઓ હોસ્પિટલની સાથે બેડરૂમ, શાળા-કોલેજ, ખાનગી ઓફિસના સીસીટીવી ફુટેજ પણ હેક કરતા હતા. નવ મહિનામાં આરોપીઓએ 50 હજાર જેટલા સીસીટીવી હેક કરી ચૂક્યા છે  જે અંગે સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે. આરોપીઓએ હોસ્પિટલ અને બેડરૂમના સૌથી વધુ સીસીટીવી ફુટેજ હેક કરતા હતા. અત્યાર સુધીમાં સીસીટીવી હેક કરીને વાયરલ કરી આરોપીઓએ સાતથી આઠ લાખની કમાણી કરી ચૂક્યા છે. તપાસ દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ આઈડી પર હોસ્પિટલના સીસીટીવી ફુટેજ વાયરલ થવાની હકીકત પણ સામે આવી છે.. જે ઈન્સ્ટાગ્રામ આઈડી બાંગ્લાદેશમાંથી ઓપરેટ થઈ રહી હતી.

આરોપીઓએ ટેલિગ્રામ પર વીડિયો જોઈને હેકિંગની ટેક્નિક શીખી હતી. હેક કરેલા CCTV ફૂટેજને તેઓ બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ અપલોડ કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ પણ અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ અને બેડરૂમના CCTV ફૂટેજની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ હતી, જેના કારણે હેકરો આ પ્રકારના ફૂટેજને વધુ ટાર્ગેટ કરતા હતા.

Continues below advertisement

આ હેકર ટોળકીએ અત્યાર સુધીમાં CCTV ફૂટેજ વેચીને 5 થી 6 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે. જ્યારે અગાઉ પકડાયેલા 3 આરોપીઓએ 8 થી 9 લાખ રૂપિયા કમાયા હતા.  પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હેક કરેલા CCTV ફૂટેજ કોને વેચ્યા હતા અને કેટલા લોકોને વેચ્યા હતા.

પોલીસનું માનવું છે કે આરોપીઓ ટૂલ્સના માધ્યમથી મોટા પ્રમાણમાં CCTV કેમેરા હેક કરવાનો પ્રયાસ કરતા હતા અને આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે. હાલમાં પોલીસ રોહિત સિસોદિયાને પકડવા અને આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.