રાજકોટ: તૌક્તે વાવાઝોડાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેર્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટારા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની વાવાઝોડાના પીડિતોની મદદે આવ્યા છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે. જેમાં 200 પરિવારને રાશન કીટ અપાઈ ચૂકી છે અને બીજા પરિવારોમાં રાશન કીટનું વિતરણ ચાલુ છે.



રિવાબાએ વીડિયોમાં જણાવ્યું કે, હું મારા માધ્યમથી 600 પરિવાર એવા છે કે, રોજ બરોજનું કમાઈને ગુજરાન ચલાવે છે. તેમના માટે એક મહિનો ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરીને તે નું વિતરણ હું કરાવું છું. 600 પરિવાર કે જે આ મહામારીમાં ક્યાંકને ક્યાંર અસર પામ્યો છે. આવા પરિવારને હું મારા તરફથી બને તેટલી સહાય કરવા જઈ રહી છું. તમારી આસપાસ કોઇ આવો પરિવાર હોય તો તેને મદદ કરશો તો તેમના માટે આ મદદ કિંમતી સાબિત થશે. આપણા તરફથી આ પરિસ્થિતિમાં કંઇકને કંઇક મદદ કરીએ.



 રિવાબા વીડિયોમાં એમ પણ કહી રહ્યા છે કે કોરોના અને વાવાઝોડાની બંને કપરી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. ત્યારે આપણે સાથે મળીને એકબીજાને સહયોગ આપી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. આ પરિસ્થિતિમાં ઘણા એવા પરિવારો છે કે તેઓ રોજ-બરોજનું કમાયને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના માટે આ શક્ય બનતું નથી. આ લોકોનું ગુજરાન ચલાવી શકાય તેના માટે આપણા તરફથી નાનામાં નાનો સહયોગ પણ મહત્વનો સાબિત થશે.