રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રેલ્વે કર્મચારીના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો છે. રેલનગરમાં આવેલા રામેશ્ર્વર પાર્કમાં રેલ્વે કર્મચારીના બંધ મકાનમાં તસ્કરોએ રોકડ તથા સોનાના બિસ્કીટ અને ચેન મળી કુલ રૂપિયા 7 લાખથી વધુની ચોરીમાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રેલ્વે કર્મચારીની પુત્રી અને તેના પ્રેમીને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


અહેવાલ અનુસાર, રેલનગરના રામેશ્ર્વર પાર્કમાં રહેતા અને રેલ્વેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા ફ્રાન્સીસભાઇ લલીતસેન ક્રિશ્યન પોતાના પત્નિ, દિકરા અને દિકરી સાથે દિલ્હી તેમની પુત્રવધુને ત્યાં ગયા હતા. પાછળથી તેમના બંધ મકાનની ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી પ્રવેશ કરી કબાટના લોકરમાં રાખેલા રોકડ રૂપિયા 1.60 હજાર તથા સોનાના બે બિસ્કીટ અને સોનાની ચેન મળી કુલ રૂ7.34 લાખની ચોરી થતા દિલ્હીથી પરત ફરેલા ફાન્સીલભાઇએ બનાવ અંગે પ્ર.નગરમાં ફરીયાદ નોંધાવી હતી.

ચોરીની ઘટનામાં મકાનના તાળા તુટ્યાના હોય અને ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યાનું જણાતા ડીસીપી પોલીસના પીએસઆઇ એમ.વી. રબારીની રાહબરી હેઠળ ચોરીની ઘટનામાં પરીવારની જ કોઇ વ્યક્તિ સામેલ હોવાના અનુમાન સાથે ગુપ્તરાહે તપાસ હાથ ધરતાં ફ્રાન્સીસભાઇની પુત્રી રીયાંશી તેના પ્રેમી પાર્થ ભટ્ટ સાથે લીવઇન રીલેશનશીપમાં રહેતી હોવાની માહિતી મળતા પાર્થ ભટ્ટની તપાસ કરતા પાર્થ તેના યુનિવર્સિટી રોડ પર આવેલા સરીતા વિહાર સોસાયટીના મકાનેથી જયુપીટર મોટર સાયકલ લઇ બહાર નિકળી રહ્યો હોય પોલીસે તેને અટકાવી પુછપરછ કરતા પોપટ બની ગયેલા પાર્થ ફરીયાદીની દિકરી રીયાંશીની સાથે મળી ડુપ્પીકેટ ચાવી બનાવી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેના મોટર સાઇકલની ડેકીમાં રાખેલા સોનાનાં બિસ્કીટ તથા રોકડ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી હતી.