આ અંગેની વિગતો એવી છે કે, રેલનગર રામેશ્વર પાર્કમાં રેહતા ફ્રાન્સીસભાઈ ક્રિશ્ચિયનના ઘરમાં ચાર દિવસ પહેલા ઘરમાં મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશી રોકડ-સોનાના બિસ્કીટ, ચેઇન મળી કુલ 7.34 લાખની ચોરી કરવામાં આવી હતી. રેલવે પાઇલોટ સપરિવાર દિલ્લી પુત્રવધૂના ઘરે ગયા ત્યારે ચોરી થઈ હતી. મકાનની ચાવી ભાણેજને આપીને ગયા હતા. ગઇ કાલે પરિવાર દિલ્લીથી પરત આવતાં સમગ્ર ચોરીની ઘટનાની જાણ થઈ હતી. પોલીસે જાણભેદુ હોવાની શક્યતાને પગલે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, ફરિયાદીની દીકરી રિયાંશી(ઉં.વ.22) અને પાર્થ ભટ્ટ(ઉં.વ.28)ને પ્રેમસંબંધ છે. ફ્રાન્સીસભાઈની દીકરી રિયાંશી અને તેના પ્રેમી પાર્થને જોબ પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી. આથી તેમની સંડોવણી જણાતા પોલીસે યુનિવર્સિટી રોડ પર આવેલા સરિતા વિહાર સોસાયટી ક્વાર્ટરમાં રહેતા પાર્થ ભટ્ટના ઘરે પહોંચી હતી. તેમજ તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને રિયાંશી સાથે મળી ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પાર્થના જ્યુપીટરની ડિક્કીમાં તપાસ કરતાં સોનાના બિસ્કીટ, રોકડ અને ડુપ્લીકેટ ચાવી મળી આવતાં આ તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પાર્થ વાહન લે-વેચનો ધંધ કરો છે. ત્રણ વર્ષ પહેલા રિયાંશી અને પાર્થે લિવ-ઇન રિલેશનશીપ કરાર કર્યા હતા. તેમજ ત્રણ મહિના સાથે પણ રહ્યા હતા. તેમજ પચી અલગ થઈ ગયા હતા. જોકે, ફરીથી બંનેને પ્રેમ થતાં બંનેએ પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમજ પૈસા માટે ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન દિલ્લી જવાનું થતાં તેમણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પરિવાર ગત 24મી નવેમ્બરે દિલ્લી ગયો હતો. જેનો લાભ લઈ ચોરી કરી હતી.