Losses Due to Unseasonal Rains: સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજકોટ જિલ્લામાં માવઠાનાં 15 દિવસ બાદ પણ હજુ સર્વે ચાલુ છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે ચાલુ રાખતા રવિ પાકનું વાવેતર અટવાયું છે. રવિ પાકનું વાવેતર અટવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજકોટ જિલ્લાનાં રાજકોટ તાલુકા, લોધિકા, પડધરી, ગોંડલ સહિતના તાલુકાઓમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.


રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે માવઠાના કારણે સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન થયું છે. માવઠાનાં કારણે કપાસ, ડુંગળી, મરચા, જીરું અને ચણા સહિતના પાકને નુકસાન થયું હતું. પડધરી અને રાજકોટ તાલુકાને સહાય મળી શકે છે કેમ કે અહીં સૌથી વધુ નુકસાન થયું હતું.


ગોંડલ અને લોધિકામાં 33 ટકાથી ઓછું નુકશાન હોવાથી સહાય નહીં મળે. સ્ટાફની ઘટના કારણે સર્વે મોડો થયો છે. સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકો રોકાયેલ હોવાથી સર્વેમાં વાર લાગી છે.


થોડા દિવસ પહેલા મોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે  માવઠાથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે.


તેમણે કહ્યું હતું કે 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે ત્યાં SDRF મુજબ સહાય ચૂકવાશે. તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનીનું વિશ્લેષણ કરાશે. આજથી જિલ્લાવાર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થશે. વિરોધ પક્ષનું કામ આક્ષેપો કરવાનું છે. સર્વે બાદ સરકારના ધારધોરણો પ્રમાણે સહાય અપાશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો SDRF મુજબ સહાય ચુકવાશે. SDRFના ધોરણ મુજબ હેકટર દીઠ 6800 સહાય ચૂકવવામાં આવે છે. બે હેકટરની જ મર્યાદા છે.


કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.


રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.