રાજકોટ : લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા. દેવાયતની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.
તો બીજી તરફ લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈએ રિમાન્ડની માંગણી કરી હતી. દેવાયત સામે અગાઉ ગુનો નોંધાયેલ છે તેનો ઉલ્લેખ પીઆઈએ કર્યો હતો. દેવાયત ખવડે હજુ સુધી ક્યા આશ્રય લીધો તે ન બોલતા હોઈ તેની રજુઆત કરાઈ હતી. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલે આખી એફઆઈઆર વાંચી ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત દેવાયતના વકીલે 307 કલમ સામે પણ વાંધો લીધો હતો. ચપ્પુ મારીયુ હોઈ તો હત્યાનો પ્રયાસનો ગુનો લાગતો નથી. કલમ 307 દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. દેવાયતના વકીલ દ્વારા સેશન્સ કોર્ટના વકીલ સામે ધારદાર દલીલો કરી હતી. વકીલે જુના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી.
ભાજપના ધારાસભ્ય પોતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ જોઈને ચોંક્યા
ગુજરાત ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે, જેને જોઈ ખુદ ધારાસભ્ય અક્ષય પટેલ ચોંકી ઉઠ્યા હતા. અક્ષય પટેલે લખ્યું કે, મારા નામનું કોઈએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે , આ એકાઉન્ટ મારૂ નથી, આપ કોઈએ રિકવેસ્ટ ઍક્સેપટ કરવી નહીં અને પૈસાની લેવડ દેવડ કરવી નહીં. ધારાસભ્યનું ફેક ફેસબુક એકાઉન્ટ કરજણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોને આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી
બિલકિસ બાનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ તેના દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. બિલ્કિસ બાનોએ તેની અરજીમાં 2002માં તેના પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત 11 લોકોની વહેલી મુક્તિને પડકારી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે આ અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિલ્કિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચને વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી માટે બીજી બેન્ચની રચના કરવાની જરૂર છે. જેના પર CJI ચંદ્રચુડે કહ્યું, "રિટ પિટિશન સૂચિબદ્ધ કરવામાં આવશે. એક જ વસ્તુનો વારંવાર ઉલ્લેખ કરશો નહીં."