રાજકોટ:  જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને મોટો ઝટકો લાગ્યો છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજુર કરી દીધી છે. હાલમાં માયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ જેલમાં છે. આમ કોર્ટે દેવાયત ખવડને જામીન ન આપતા તેમને જેલમાં જ રહેલું પડશે.


લોક ગાયક દેવાયત ખવડની વધશે મુશ્કેલી


રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં 20 દિવસ પૂર્વે મયૂરસિંહ રાણા નામના યુવક પર ખૂની હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે કરેલી તપાસમાં CCTV ફૂટેજ સહિતના જે પુરાવા મળ્યા છે એમાં દેવાયત ખવડ મયૂરસિંહની ઓફિસ નજીક રેકી કરી બાદમાં હુમલો કર્યાનું સ્પષ્ટ થતાં પોલીસે આ કેસમાં પૂર્વયોજિત કાવતરાની કલમ 120 (B)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.


પોલીસે વધુ પુરાવા એકત્રિત કરવા માંડ્યાં


પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જે રીપોર્ટ સબમીટ કર્યો છે. તેમાં આરોપી દેવાયત ખવડ અને તેના બે સાગરીતોએ ભોગ બનનાર મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતના પોલીસને CCTV ફૂટેજ પણ મળ્યાં છે. જ્યારે દેવાયતના રિમાન્ડ ચાલુ હતાં ત્યારે પોલીસે પણ કાવતરા અંગે પુછપરછ કરી હતી પરંતુ તેણે પોલીસને આ બાબતે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હવે દેવાયત અને તેના સાથીઓ જેલ હવાલે છે ત્યારે પોલીસે વધુ પુરાવા એકત્રિત કરવા માંડ્યાં છે.


દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હૂમલો કરીને ફરાર થઈ ગયો હતો


દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હૂમલો કરીને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ ભોગ બનનાર મયુરસિંહના પરિવારે પોલીસ સામે દેવાયત સામે કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપો કર્યા હતાં. તે ઉપરાંત ક્ષત્રિય સમાજે પણ રાજકોટ પોલીસ કમિશ્નરની મુલાકાત કરીને દેવાયત ખવડની ધરપકડ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતે મામલો વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો અને ત્યાર બાદ તેના બે સાગરીતો પણ હાજર થયાં હતાં. પોલીસે તેમને કોર્ટમાં રજુ કરીને જામીન માંગતાં કોર્ટે જામીન મંજુર કર્યાં હતાં. હવે તેઓ જેલ હવાલે છે.



ધ્રાંગધ્રામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવીને કરાયો હતો વિરોધ


થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.