Dhirendra Shastri Rajkot controversy: રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો 'દિવ્ય દરબાર' હાલ ભારે વિવાદોમાં ઘેરાયો છે. દરબારમાં બાબાના એક હુંકાર બાદ લોકો અચાનક ધુણવા લાગ્યા હતા અને એક મહિલાએ 'પ્રેત' આવ્યાના નામે હાજર લોકો તેમજ મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ આખી ઘટના દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર મૂકપ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા હતા. આ ઘટનાને લઈને પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ બાબા પર અંધશ્રદ્ધા ફેલાવીને આર્થિક લાભ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, આયોજકો આ સમગ્ર મામલે બચાવની મુદ્રામાં આવી ગયા છે.

Continues below advertisement

હુંકાર, ઉત્તેજના અને ધુણતી મહિલાનો આતંક

અહેવાલો મુજબ, રાજકોટના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કંઈક આહવાન કે હુંકાર કર્યો હતો. આ અવાજ સાંભળતા જ દરબારમાં બેઠેલા કેટલાક લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ અને તેઓ જોરજોરથી ધુણવા લાગ્યા. આ જ સમયે એક મહિલા વધારે ઉગ્ર બની ગઈ. જાણે તેના પર કોઈ પ્રેત કે ભૂત આવ્યું હોય તેમ તેણે ત્યાં હાજર અન્ય લોકો અને કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો.

Continues below advertisement

માહોલ એટલો બગડી ગયો કે કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આખરે એક સ્થાનિક પત્રકારે હિંમત દાખવીને પેલી મહિલાને કાબૂમાં લીધી (તેનું બરાબરનું ભૂત ઉતાર્યું). આ બધો જ તમાશો ચાલી રહ્યો હતો છતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી તેને રોકવાનો કોઈ જ પ્રયાસ ન કર્યો.

પુરુષોત્તમ પીપળિયાનો રોષ: "જો ડાયપર ન બગાડાવી દઉં તો કહેજો"

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ આ આખા ખેલને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

ગંભીર આરોપ: તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવ્યો કે આ બધું અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા કમાવવાનું પૂર્વનિયોજિત કાવતરું (પ્લાન્ટેડ ઢોંગ) છે. ડાકણ અને પિશાચિનીના નામે લોકો પાસે ઢોંગ કરાવાયો છે.

પોલીસ કાર્યવાહીની માંગ: પીપળિયાએ પોલીસને અપીલ કરી છે કે આ બાબતે તાત્કાલિક 'સુઓમોટો' (suo moto) કેસ દાખલ થવો જોઈએ.

ખુલ્લી ચેલેન્જ: તેમણે સોશિયલ મીડિયા પર બાબાને ખુલ્લી ચેલેન્જ આપતા લખ્યું કે, "જો તમારામાં તાકાત હોય તો કોઈ પણ પસંદગીના ન્યૂઝ સ્ટુડિયોમાં મારી સાથે સામસામે ચર્ચા કરવા આવો, જો ચર્ચામાં હું તમારું ડાયપર ન બગાડાવી દઉં તો કહેજો."

પીપળિયાએ એક નાના બાળકને ધુણાવવાની નિમ્ન કક્ષાની હરકતની ટીકા કરી હતી અને આ કાર્યક્રમમાં હાજર રહેલા નગરશેઠો તેમજ કલાકારોની પણ આકરી ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

આયોજકોનો બચાવ: "અમે કોઈને આમંત્રણ નહોતું આપ્યું"

વિવાદ વકરતા જ હનુમાન કથાના આયોજકો બચાવમાં આવ્યા છે. આયોજક મંગેશ દેસાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈને પણ ધુણવા માટે આમંત્રણ નહોતું આપ્યું. બાબા મંચ પરથી માત્ર મંત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આ મંત્રો સાંભળીને લોકો પોતાની મેળે જ ધુણવા લાગ્યા હતા. આ ઘટનામાં ધીરેન્દ્ર શાસ્ત્રી કે આયોજકોનો કોઈ જ વાંક નથી.