રાજકોટઃ ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતા આઠ લોકોની પોલીસે ધરપકડ કરી છે, જેમાં કોંગ્રેસના એક નેતાનો પણ સમાવેશ થાય છે. એક ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશ રાખોલિયા સહિત આઠ શખ્સો જાહેરમાં જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા છે. આ તમામ શખ્સો ધોરાજીમાં કોલેજ ચોક, હનુમાન મંદિર પાસે જાહેરમાં લાઈટના અજવાળા નીચે ગંજીપાના પાના વડે જુગાર રમી રહ્યા હતા, ત્યારે જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ત્યાં આવી પહોંચી હતી.

જોકે, પોલીસને જોઇને તમામ શખ્સો પૈસા અને ગંજીપાના ફેંકી ભાગ્યા હતા. જેઓને તુરંત પકડી લેવાયા હતા. જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં છગન ઠેસિયા, બાવનજી માવાણી, હરેશ ગધેથડીયા, વિપુલ પટેલ, મહેશ દલસાણીયા, વિરેન્દ્રસિંહ વાઘેલા, હરેશ ચૌહાણ, તેમજ ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશ રાખોલીયા રૂ. 31,550ની રોકડ રકમ સાથે ઝડપાયા હતા.