દ્વારકાઃ દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. જિલ્લામાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. દ્વારકા જિલ્લા સતવારા સમાજના યુવા અગ્રણીના મોતથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ગઈ સાંજે રાજકોટ નજીક પડધરી પાસે માર્ગ અકસ્માતમાં મનસુખ પરમારનું મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મોરબીઃ હળવદ રેલવે સ્ટેશન નજીક યુવક યુવતીએ પડતું મૂક્યું હોવાના સમાચાર સામે આવતાં ભારે ચકચાર જાગી છે. બપોરના સુમારે પસાર થતી માલગાડી કચ્છ તરફથી હળવદ પહોંચતા યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું. માલગાડી હડફેટે ચડી જતા ચુલી ગામના વિશાલભાઈ ઠાકોર અને ગોપાલગઢ ગામની નિકિતા ઠાકોરનું મોત થયું છે.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રેલવે પોલીસ દોડી આવી હતી. તો ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પરથી અજાણી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. રિબડા ગામ પાસેથી અજાણી યુવતીની લાશ મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીના મૃતદેહને પી.એમ.માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતિની ઓળખ અને પી.એમ.બાદ ખ્યાલ આવશે કે હત્યા કે આત્મહત્યા.
અરવલ્લીઃ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે. ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી છે. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી છે.
બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ સાડી પહેરેલી હતી અને બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલી લાશ મળી આવી હતી.