રાજકોટ: રાજકોટમાં યોજાનારા બે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હાજર રહેવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ કરાયો છે. 


આ પૈકી પહેલા કાર્યક્રમમાં સવારે 10 વાગ્યે શુપોષણ અભિયાનનો પ્રારંભ કરાવાનો હતો. આ કાર્યક્રમમાં કુપોષિત બાળકોને દત્તક લેવાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કુપોષિત બાળકોને દત્તક લેવાના છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર લરહેવાના હતા પણ છેલ્લી ઘડીએ જાહેરાત કરાઈ છે કે, કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નહિ આવે. અચાનક સીઆર પાટીલનો પ્રવાસ રદ્દ કરાયો છે.


બીજો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોના સંમેલનનો હતો. આ કાર્યક્રમ દ્વારા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાના છે. કાર્યક્રમમાં વિવિધ રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહેવાના છે પણ આ
કાર્યક્રમમાં પણ સી.આર. પાટીલ હાજર નહિ રહે.


 


વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5  બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત


વલસાડઃ વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5  બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પિતરાઈ ભાઈઓનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.  13 વર્ષીય મેહુલ અને તેનો પિતરાઈ ભાઈ દર્શન મેસૂરિયા તેના મિત્રો સાથે કુંડી ગામ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જે પૈકી મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હોવાથી ડૂબી રહ્યા હતા. દરમિયાન તેના મિત્રોએ મેહુલ અને દર્શનને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહી.


બાદમાં સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ કરી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તળાવમાં કૂદી બંન્ને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને 108ની ટીમની મદદથી PHC ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જો કે મેહુલ અને દર્શનને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.