રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ખાસ કરીને એકાદ પખવાડિયાથી ૫૦ ટકાથી ૨૦૦ ટકા જેટલો વધારો થયો છે. ત્યારે સરકારની સૂચના અન્વયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કોરોનાના નિદાન કે ઉપચાર માટે નહીં પણ નિવારણ માટે હવે આયુર્વેદનું શરણું લેવાયું છે અને ધન્વંતરી રથ શરૂ કરાઈ રહ્યા છે.


ગઈકાલે રાજકોટમાં મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસથી ૧૫ ધન્વંતરી રથનું પ્રસ્થાન અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં કરાયું હતું. આ રથ ખાસ કરીને કન્ટેનમેન્ટ, ક્લસ્ટર ઝોનમાં જઈને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરશે. આ સાથે જ દરેક રથમાં થર્મલ ગનથી લોકોને તાવ આવે છે કે નહીં તે જાણવા શરીરનું તાપમાન મપાશે તેમજ ઓક્સીમીટર દ્વારા હૃદયના ધબકારા પણ મપાશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં તથા અન્યત્ર પણ આવા રથ શરૂ કરવામાં આવી રહ્યા છે.

આ રથ દરમિયાન જો કોઈ  વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને વિશેષ સારવાર મળે તે માટે તેનું કોરોના ટેસ્ટીગ પણ કરાશે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો હાલમાં જિલ્લામાં કુલ 147 કેસ એક્ટિવ છે જ્યારે 128 લોકો સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9414 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 828 લોકો હાલમાં કોરેન્ટાઈન હેઠળ છે.