રાજકોટઃ શહેરમાં અનલોક-1 ગઇકાલે પૂરું થયું અને અનલોક-2ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે 30 જૂન સુધીના સાડાત્રણ માસમાં રાજકોટમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 169 પર પહોંચી ગઈ છે. જેમાં ગંભીર વાત એ છે કે, મે માસમના કેસો ડબલ જ નહીં પણ ટ્રિપલિંગ રેટ શરૂ થયો છે.


મે મહનામાં રાજકોટમાં 24 સામે જૂનમાં કેસની સંખ્યા ત્રણ ગણી વધીને 86 કેસ નોંધાયા છે. ગંભીર વાત એ છે કે 18 માર્ચના રોજ રાજ્યમાં સૌ પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો ત્યારથી 18 લાખની વસ્તી ધરાવતા આ મહાનગરમાં અઢી માસમાં જેટલા કેસ નોંધાયા એટલા જ કેસ હવે માત્ર એક મહિનામાં નોંધાયા છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો હાલમાં જિલ્લામાં કુલ 147 કેસ એક્ટિવ છે જ્યારે 128 લોકો સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9414 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 828 લોકો હાલમાં કોરેન્ટાઈન હેઠળ છે.