રાજકોટ:  શિયાળુ પાકમાં ડુંગળી બાદ લસણ પણ ખેડૂતોને રડાવી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં લસણનું વાવેતર શિયાળામાં થાય છે. હાલમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો પાક તૈયાર થઈને આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને હાલમાં લસણ ઉત્પાદન કરતા પણ નીચા ભાવે વેચવાની ફરજ પડે છે. એક મણ લસણના સરેરાશ 150થી 400 રૂપિયા ભાવ છે.


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. એક બાજુ રોગચાળાને કારણે આ વર્ષ ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ લસણના ભાવ તળીયે પહોંચ્યા છે. ખૂબ જ સારામાં સારા લસણના એક મણના ભાવ દોઢસોથી 350 થી 400 રૂપિયા આવે છે. તો મધ્યમ ક્વાલિટી લસણ દોઢસોથી બસ્સો રૂપિયા ભાવ છે. ખેડૂતોને હાલમાં ઉત્પાદન પડતર કરતાં પણ નીચા ભાવે લસણનું વેચાણ કરવું પડે છે. રાજકોટ-ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હજારો મણ લસણની આવક થાય છે. બિયારણ, ખાતર અને દવાના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી બાદ લસણમાં ભાવ ઓછા મળતા ખેડૂતોનું મુશ્કેલીઓ વધી છે. ડુંગરકા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે દર વર્ષે ખેતીમાં ખર્ચ વધતો જાય પણ લસણના ભાવ મળતા નથી. હાલમાં ડીટામણ માટે ખેડૂતોને મજૂરો પણ મળતા નથી.


એક વિઘાનો લસણનો ઉત્પાદન ખર્ચ



  • બિયારણ-6000

  • ખાતર-2000

  • જનતુનાશક દવા-1500

  • નિંદવાની મજૂરી-1500

  • કાઢવાની મજૂરી-2000

  • ડિટામણ-2000

  • કોથરા-500

  • યાર્ડ સુધીનું ભાડું-400

  • કુલ ખર્ચ-15900


આવક
વિઘે સરેરાશ 40 મણનું ઉત્પાદન.
સરેરાશ 400 રૂપિયા ભાવ.
40X400=16000


તેથી જો ખેડૂતને 400 રૂપિયા ભાવ મળે તો ખેડૂતને નહિ નફો નહિ નુકશાન થાય. જ્યારે ચારસોની નીચે ભાવ આવે તો ખેડૂતોને ખોટ જાય. તો બીજી તરફ લસણના વેપાર સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયેલા માધવજીભાઈ એ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લસણનું ઉત્પાદન થયું છે. તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં વિઘાદીઠ ઉત્પાદન ઘટયું છે. પરંતુ વાવેતર મોટા પ્રમાણમાં વધુ હોવાથી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મોટા પ્રમાણમાં લસણ ઠલવાઇ રહ્યું છે. તો બીજી તરફ હાલમાં બીજા દેશોમાં નિકાસ થતી નથી. એક મણના 150થી 400 રૂપિયા મળી રહ્યા છે. ખેડુતની સાથે વેપારીએ પણ કહ્યું કે સરકાર દ્વારા જે રીતે ડુંગળીમાં મણે 40 રૂપીયાની રાહત આપવામાં આવી તે જ રીતે ખેડૂત રાહત આપવામાં આવી તે જ રીતે ખેડૂતને એક મણે 200 રૂપિયાની રાહત આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને નુકસાન ન જાય. આ તો વાત થઈ માત્ર ખર્ચની, ખેડૂતોની મહેનત અને જમીનનું ભાડું ગણવામાં આવે તો ખરેખર ખેડૂતોની પાછળ કંઈ ન વધે,લસણના એક મહિના 800 થી 1000 રૂપિયા મળે તો ખેડૂતોને ફાયદો થઇ શકે.