Gujarat Rain: રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.  હવામાન વિભાગની આગાહીના પગલે લાઠ ગામમાં ચાર પાચ ઈંચ વરસાદ પડયો છે. ત્રણ કલાકમાં જ ચાર પાંચ ઈંચ વરસાદ પડતા લાઠ ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે. આં અંગે અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાઠ ગામની બાજુમાં જ ભાદર નદી નિકળતી હોવાથી પૂરનો પણ ભય રહે છે.


 



તો બીજી તરફ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ગીર સોમનાથમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અદ્યતન રેસ્ક્યુ સાધનો સાથે ટીમના 25 જવાન સ્ટેન્ડ બાય છે.


ગીર ગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોર બાદ અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા. ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા, ખિલાવડ, ફાટસર ,ઇટવાયા, કોદીયા બેડીયા, સોનારીયા, જસાધાર, તુલસીશ્યામ, ગીર જંગલ પંથકમાં ધોધમાર ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.


ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ઢોલા શેરી, ખોડિયાર નગર, ભક્તિ નગર, માળવી શેરી બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને અવિરત વરસાદના કારણે બે કાચાં મકાનની દિવાલ ધરાશયી થઇ હતી. ગીર જંગલ પંથકમાં ૩ થી ૪ ઇંચ જેટલો અતી ભારે વરસાદથી રાવલ શાહી અને મચ્છુન્દ્રી નદીમાં પુર આવ્યું હતું  સિઝનનું પ્રથમ પુર આવતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા અને અવિરત વરસાદથી ગીર ગઢડા ઉના દીવ ના લોકો માટે જીવાદોરી સમાન રાવલ ડેમમાં નવા નીરની આવક થઇ હતી.