રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી. રાજકોટ મનપાના વિપક્ષ નેતાએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ અને કડક કાર્રવાઈના આદેશ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેક્ટરને કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે.

હોસ્પિટલમાં આગ લાગવા પાછળ જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે. અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ દર્દીઓને સારી સારવાર મળે તે માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.