રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુ લાગુ છે. રાજયમાં કોઇપણ સ્થળે લગ્નસમારોહમાં 100 વ્યકિતઓને મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટ પોલીસે જાહેરાત કરી છે કે હવે દિવસ દરમિયાન યોજાતા લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાની જરૂર નથી.


રાજકોટમાં હવે લગ્ન પ્રસંગ હોય તેમણે પોલીસ મથકે પરમીશન માટે જવું પડશે નહીં પરંતુ એ વાતનું ખાસ ધ્યાન આપવાનું રહેશે કે લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 વ્યકિતઓની જ હાજરી હોવી જોઇએ. આ પહેલા 200 લોકોની મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ સંક્રમણ વધતા હવે 100 લોકોની જ મંજૂરી અપાઇ છે.

આ પહેલા નજીકના પોલીસ મથકેથી લગ્નમાં હાજર રહેનાર મહેમાનોની યાદી આપી મંજૂરી મેળવવા કહેવાયું હતું. સરકારની જાહેરાત મુજબ રાત્રીના સમયે લગ્નને પોલીસ મંજૂરી આપશે નહીં.

છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટના પોલીસ મથકોમાં લગ્નની મંજૂરી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી શકયતાઓ પણ જણાતી હતી. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.