રાજકોટઃ રાજકોટમાં ASI-કોંસ્ટેબલના અપમૃત્યુ કેસ મામલે ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ફોરેન્સીક રિપોર્ટમાં થયેલા ખુલાસા અનુસાર, ASI ખુશ્બુ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી. નોંધનીય છે કે 11 જૂલાઇના રોજ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા ASI ખુશ્બુ કાનાબારની ગોળી મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તે સમયે અંદાજ લગાવ્યો હતો કે રવિરાજે ખુશ્બુની સરકારી પિસ્તોલથી હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી પરંતુ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે બેલેસ્ટિક એક્સપર્ટની મદદ લીધી હતી.
ફોરેન્સિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રવિરાજ જે હાથે પિસ્તોલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાંથી તેને ગોળી વાગી હતી, જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સિક નિષ્ણાંતોનું માનવું હતું કે, રવિરાજના શરીરમાં થયેલી ઇજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ફાયરિંગ થયું હોઇ શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે રવિરાજે આપઘાત નથી કર્યો.
જ્યારે ખુશ્બુના હાથ અને કપડા પરથી ગન પાવડર મળી આવ્યો હતો. પોલીસનું એવું માનવું છે કે હત્યા બાદ ખુશ્બુએ તેના ખોળામાં રવિરાજનું માથું રાખી પોઇન્ટ બ્લેન્કથી ફાયરિંગ કરી પોતે આત્મહત્યા કરી હતી.