રાદડિયાના નિધન અંગે તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વીટ કરીને લોકોને જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે. અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થી બપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા ખાતે રાખેલા છે. સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણાથી નીકળશે. ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ગુજરાતે એક ખેડૂત નેતા ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું.
વિઠ્ઠલભાઇને કેન્સર જેવો જટિલ રોગ લાગતા આજ વર્ષમાં અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી. ત્યાં ઓપરેશન કરાવ્યું હતું. મોઢામાં કેન્સરનો રોગ લાગ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલું હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો. વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી રહ્યાં છે. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર ચલાવે છે.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય રાજકોટ સહિતની સંસ્થાઓ ચલાવી રહ્યાં છે.
રાજકીય સફર
તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)
ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)
સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2019)