રાજકોટઃ શહેરનાં રેસકોર્સ ખાતેથી SOG પોલીસે MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક યુવતિને ઝડપી પાડી હતી. આ યુવતિ અગાઉ પણ તેના પૂર્વ પતિની સાથે ડ્રગ્સ લેતા પોલીસના હાથે ઝડપાઇ હતી. ત્યારબાદ તેણીએ સુધરી જવાની ઈચ્છા વ્યક્ત કરી પોલીસમાં ભરતી થવાની ઈચ્છા દર્શાવતા પોલીસ દ્વારા આ માટે તેણીની મદદ કરવામાં આવી હતી. જોકે આ યુવતિ ફરીવાર 12.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે એસઓજીનાં હાથે ઝડપાઇ છે. અને તેણીએ નામચીન જલ્લાલુદીન પાસેથી દ્રગ્સ મેળવ્યું હોવાની કબૂલાત આપતા હાલ પોલીસે જલ્લાલુદીનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.


પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી જ ડ્રગ્સની બીજી પડીકી મળી


રાજકોટના કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અમી દિલીપ ચોલેરા ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજીનાં સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી જ ડ્રગ્સની બીજી પડીકી મળી આવી હતી.


ડ્રગ્સનો જથ્થો જલ્લાલુદીન પાસેથી લાવ્યાની કબૂલાત આપી


અમી પાસેથી મળેલી પડીકીમાં ડ્રગ્સ હોવાની આશંકા હોવાથી પોલીસે એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. અને એફએસએલની ટીમે જપ્ત થયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જેને લઈને પોલીસે અમી ચોલેરા પાસેથી રૂ.1,23,600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ તેમજ મોબાઇલ અને સ્કુટર મળી કુલ રૂ.1,78,700નો મુદ્દામાલ જપ્ત કરી અમીની ધરપકડ કરી હતી. પોલીસ દ્રારા કરાયેલી પૂછપરછમાં અમીએ ડ્રગ્સનો જથ્થો જલ્લાલુદીન પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી.


અમી ચોલેરાના અગાઉ પૂર્વ ક્રિકેટર સાથે લગ્ન થયા હતા


પોલીસનાં જણાવ્યા મુજબ, અમી ચોલેરાના અગાઉ પૂર્વ ક્રિકેટર સાથે લગ્ન થયા હતા. બાદમાં તેણી સુધાના પરિચયમાં આવ્યા બાદ ડ્રગ્સનાં રવાડે ચડી પોતે પણ પેડલર બની ગઇ હતી. બાદમાં અમીએ પણ અનેક યુવકોને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ જલ્લાલુદીન ફ્રૂટના ઓઠા હેઠળ ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવી રહ્યો હોવાનું ઘણા સમય પહેલા સામે આવ્યા બાદ પોલીસે લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી છે.