સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં દેરડી કુંભાજીની ટીકટોકમાં દોઢ લાખ ફોલોઅર્સ ધરાવતી યુવતીએ ગળાફાંસો ખાતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતી અને અમરેલીમાં કોલેજ કરતી કૃષિકા લાખાભાઈ વ્યાસે 17 વર્ષની ઉંમરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર યુવતી બે બહેન, એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. પરિવારમાં કૃષિકા મોટી હતી અને ટીકટોકમાં દોઢ લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી હતી. આત્મહત્યા કરતા પહેલા પણ તેને સેડ સોંગ અપલોડ કર્યાં હતા.

માતા-પિતાને ભરણપોષણ અંગે ઝઘડો ચાલતો હોય પરિવાર તેના પિતાથી અલગ રહેતો હતો. આ દરમિયાન આશાસ્પદ યુવતીએ અકાળે મોત મીઠું કરી લેતાં પરિવાર શોક મગ્ન બન્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.