- જૂનાગઢ-અમદાવાદ રૂટની બસે લીધો ભોગ, ડ્રાઈવરે અકસ્માતની જાણ માલિકને ન કરી.
- પોલીસે 150થી વધુ સીસીટીવી કેમેરા તપાસીને કેસનો ભેદ ઉકેલ્યો.
- ડીસીપી ક્રાઇમે પત્રકાર પરિષદમાં માહિતી આપી, બસ ડિટેઈન, વધુ તપાસ ચાલુ.
- છેલ્લા આઠ દિવસથી ઘૂંટાઈ રહેલા રહસ્યનો આખરે પડદો ઉચકાયો.
- વહેલી સવારે હાઈવે પર મળી હતી લાશ, પોલીસે ટેક્નોલોજીની મદદથી ગુનેગારોને પકડ્યા.
- ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ, બસના સંચાલકો અને મુસાફરોના નિવેદન લેવાશે.
Rajkumar Jat death case: રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસનો ભેદ આખરે રાજકોટ શહેર પોલીસે ઉકેલી નાખ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે આ કેસમાં મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જૂનાગઢથી અમદાવાદ જતી મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે જ રાજકુમાર જાટને અડફેટે લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી આ કેસ એક રહસ્ય બની ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અને 150થી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 6 તારીખે વહેલી સવારે 2:33 વાગ્યે રાજકુમાર જાટની લાશ હાઈવે પર પડી હતી. સીસીટીવી ફૂટેજમાં મહાસાગર ટ્રાવેલ્સની GJ-18-AV-3131 નંબરની બસ તે સમયે ત્યાંથી પસાર થતી જોવા મળી હતી.
પોલીસે જણાવ્યું કે આ ઘટનાની જાણ માત્ર બસના ડ્રાઈવર અને ક્લીનરને જ હતી. ડ્રાઈવરે અકસ્માતની જાણ બસના માલિકને કરી નહોતી. રૂરલ પોલીસે 6 તારીખે ગુમસુદા નોંધ લીધી હતી, જેની માહિતી શહેર પોલીસને પણ આપવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આખો ભેદ ઉકેલ્યો છે. ફૂટેજમાં અકસ્માત સમયે 12થી વધુ મોટા અને 30થી વધુ નાના વાહનો પસાર થતા દેખાયા હતા, જેમાંથી પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસને ઓળખી પાડી હતી.
મૃતક રાજકુમાર જાટના શરીર પર જોવા મળેલા ઈજાના નિશાન અંગે પોલીસે જણાવ્યું કે હાઈવે પર અકસ્માત થાય તો વધુ ઈજાઓ થવાની શક્યતા રહે છે. હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર બસને ડિટેઈન કરી છે અને બસના સંચાલકો તેમજ તે સમયે બસમાં સવાર મુસાફરોના નિવેદનો પણ લેવામાં આવશે. પોલીસ દ્વારા પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેનાથી વધુ માહિતી સામે આવી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર હિટ એન્ડ રન કેસમાં ત્વરિત તપાસ અને ટેકનોલોજીના ઉપયોગનું મહત્વ દર્શાવ્યું છે.