ગોંડલઃ શહેર (Gondal) પાસેના ગામની એક યુવતી પર તેના કૌટુંબિક કાકા અને ભત્રીજાએ છેલ્લા નવ મહિનામાં વારંવાર બળાત્કાર ગુજારતા યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. યુવતીએ ગોંડલની ખાનગી હોસ્પિટલ (Private hospital)માં બાળકને જન્મ આપતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ગોંડલ તાલુકા પોલીસે (Gondal Taluka Police) બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. બાળકની તબિયત નાદૂરસ્ત હોવાથી રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગોંડલના એક મેટરનિટી હોમમાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. યુવતી બળાત્કાર પછી માતા બની હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવતીની પૂછપરછ કરતાં યુવતી ગોંડલ પાસેના ગામની સીમમાં ઢોર ચરાવવા જતી હતી, ત્યારે તેના કૌટુંબિક કાકાએ લલચાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો કાકો વારંવાર યુવતી સાથે છૂટ લેવા માંડ્યો હતો. 


દરમિયાન એક દિવસ કૌટુંબિક ભત્રીજો બંનેને રંગરેલિયા માણતા જોઇ ગયો હતો. આથી તેણે પણ વાત ગામમાં કરી દેવાની ધમકી આપી યુવતી સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી તો તે પણ યુવતી સાથે વારંવાર છૂટ લેવા માંડ્યો હતો. 


બંને કાકા-ભત્રીજા સાથેના સંબંધથી યુવતીને ગર્ભ રહી ગયો હતો તેમજ તેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ પણ આપ્યો હતો. ગઈ કાલે સોમવારે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. અહીં તેણે પરિવારજનોને પોતાના પર થયેલા કુકર્મ વિશે જણાવતાં ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને જેલહવાલે કરી દીધા છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


જોકે, બળાત્કારની ફરિયાદ ન થાય તે માટે આરોપીઓ તરફથી અનેક પ્રયાસો કરાયા હતા. તેમજ યુવતીના પરિજનોને લાલચ આપી અને બાળકને આજીવન સાચવવાની ખાતરી આપી બધું રફેદફે કરવા પ્રયાસ કરાયો હતો. જોકે, રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘને જાણ થતાં તેમણે ફરિયાદ નોંધવા આદેશ કરતાં સોમવારે સાંજે કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઇ હતી. તેમજ બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી.