રાજકોટ: રાજકોટમાં  બેફામ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જાવાની બે ઘટના બની છે. માધાપર ચોકડી નજીક ભારત સરકાર લખેલી ઇન્કમટેકસની  ઈનોવા કારના ડ્રાઇવરે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારને મોટાપાયે નુકસાન થયું છે. કાર અને  ટુ વ્હીલરને ઉડાવ્યા બાદ કાર સાઇડમાં ધકેલાઇ ગઇ હતી અને કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ  અકસ્માતની ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. સ્થાનિક લોકોના  જણાવ્યા અનુસાર કારનો ચાલક ચિકકાર દારૂ પીધેલો હોવાનું  સામે આવ્યું હતું. 


રાજકોટના માધાપર ચોકડી નજીક બપોરે આ અકસ્માતની ઘટના બની હતી. GJ 18-BT-4183 નંબરની ઇનોવા કારના ચાલકે બેફામ ઝડપે એક ટુ વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ રસ્તા પરથી નીચે ઉતરીને રોંગસાઇડમાં કાર અને કેબીન સાથે અથડાઇ હતી. આ અકસ્માતના પગલે માધાપર ચોકડી નજીક લોકોના ટોળા  ઉમટી પડ્યા હતા. 




આ અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાવ્યું છે. અકસ્માત સર્જનાર કારમાં ભારત સરકાર લખેલું હતું ઉપરાંત સહાયક ઇન્કમટેકસ કમિશનરનું બોર્ડ પણ મળી આવ્યું હતું. 




આ બનાવ અંગે સ્કુટર ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.  જેને પગલે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.  


18 વર્ષના યુવકે સ્કોર્પીયોથી 3 બાઈક અને શાકભાજીની લારીને લીધી અડફેટે


રાજકોટમાં પણ નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો છે. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.


આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો અને પોલીસ શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોધશે. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી.