Rajkot News:   આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે ફરસાણ મોંઘુ બનશે. દર વર્ષે તહેવાર આવતા તેલના ભાવ વધે છે અને વચેટિયાઓ ફાવી જાય છે. સામાન્ય લોકોના જન જીવન પર ભારે અસર પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે.  ઓફ સિઝન હોવા છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. છેલ્લા એક માસથી સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જાય છે. 


ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે.  ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી.  એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.  


કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.


મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.100 જેટલો ભાવ વધારો થયો છે.  


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial