Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન રાજકોટનું એક ગામ ચર્ચામાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, રાજ સમઢીયાળા ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર કરવાની છૂટ નહીં, પરંતુ મતદાન ન કરનારને રૂ.51 દંડ કરવામાં આવે છે. 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર કરવાની મંજૂરી ન આપવાનો આ નિયમ છે. પરંતુ તમામ માટે મતદાન ફરજિયાત અન્યથા રૂ.51 દંડ કરવામાં આવે છે તેમ ગામના સરપંચે જણાવ્યું.
ભાજપના સ્ટાર પ્રચારકોમાં હાર્દિકની બાદબાકી
ભાજપ દ્વારા બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે ચૂંટણીપંચને આપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા નેતા હાર્દિક પટેલને પ્રચારકમાંથી બાદબાકી કરવામાં આવી છે.
- ગોરધન ઝડફિયા
- અલ્પેશ ઠાકોર
- નંદાજી ઠાકોર
- શંકરભાઈ ચૌધરી
- ભાર્ગવ ભટ્ટ
- દેવુસિંહ ચૌહાણ
- જશવંતસિંહ ભાભોર
- હીતુ કનોડિયા
- રમીલાબેન બારા
- રજની પટેલ
ભાજપ વધુ 10 સ્ટાર પ્રચારકો ઉતારશે
હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે કાર્યકારી પ્રદેશ પ્રમુખ પદે રહી ચુક્યો હતો. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આ બન્ને નેતા કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ રહી ચુક્યા છે. ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કામાંથી દુર રાખી 10 નવા નેતાનો સમાવેશ કર્યો છે. બીજા તબક્કા માટે કુલ 40 સ્ટાર પ્રચારકો રહેશે.
ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા BJP વિરુદ્ધ મતદાનનું આહ્વાન
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજમાંથી સૂચનો લીધા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જેથી ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને કોઈપણ રાજકીય પક્ષ છેતરી ના જાય. તેમજ આપણા માલધારી સમાજની અવગણના ના થાય. માલધારી સમાજનાં જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યુ છે. ગુજરાત સરકાર જોડે આપણા સંતો-મહંતો, ભુવાજીઓ, સામાજિક રાજકીય આગેવાનો, ગીર બરડા અને આલોચના મુદ્દે અનેક વખત મિટીંગ કરી ચૂક્યા છે છતાંય આપણને કોઈ ન્યાય મળ્યો નથી. છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીઘૂંટીમાં આપણા સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યા છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષથી સજા પણ થઈ છે. આપણી બેન-દિકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. આપણા ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિઓ આખલાઓને પધરાવી દીધા છે.