Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માતાજીના તથા સંત શ્રી પૂજ્ય લાલબાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા. જામનગરમાં ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જાડેજા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ લાલબાપુ ના આશીર્વાદ લીધા હતા.
હું ક્યારેય કોંગ્રેસ નહીં છોડુંઃ લલિત વસોયા
ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ. વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરામાં ક્યારે છે મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસની ગુજરાતની મુલાકાતે
ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઇ કોંગ્રેસપક્ષના છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તા.27 અને 28 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અમદાવાદ, કડી, ઓલપાડ, ડેડીયાપાડા સહિતના સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની બે દિવસીય મુલાકાતને લઇ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક આગેવાનો પણ તેમની પ્રચાર વ્યવસ્થા માટે દોડતા થયા છે. 27મી નવેમ્બરે બપોરે 1.45 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી જશે. ત્યારબાદ ત્યાંથી તેઓ સીધા ડેડીયાપાડા જવાના રવાના થશે. જયાં 2.45 વાગ્યે તેઓ વિશાળ જાહરેસભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ સુરતના ઓલપાડ જવા રવાના થશે, જયાં સાંજે 4.30 વાગ્યે જનસભા સંબોધશે. મોડી સાંજે 7.45 વાગ્યે તેઓ અમદાવાદ આવશે. ત્યારપછી બીજા દિવસે તા.28મીએ સવારે 11 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ કડી જશે અને ત્યાં જાહેરસભાને સંબોધન કરશે. ત્યાંથી પાછા અમદાવાદ ફરશે અને રાત્રે 8 વાગ્યે શહેરના બહેરામપુરા વિસ્તારમાં જાહેરસભાને સંબોધન કરશે.