રાજકોટ: ગુજરાતમાં ભાજપના નેતાઓ અને આગેવાનોએ કરેલા મેળાવડાઓ હવે તેમને જ ભારે પડી રહ્યા છે. હવે એક બાદ એક ભાજપના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજના દિવસે સૌરાષ્ટ્રના ત્રણ ભાજપ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાનન્સ બોર્ડના ચેયરમેન અને સૌરાષ્ટ્ર ભાજપના નેતા ધનસુખ ભંડેરી કોરોનાથી સંક્રમિત થયા છે. ધનસુખ ભંડેરી તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ચૂંટણીના પ્રવાસે ગયા હતાં. 31 ડિસેમ્બરના મુખ્યમંત્રીનો યોજેલા રોડ-શોમાં પણ હાજર રહ્યા હતાં. હવે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા છે.
આ તરફ જિલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પણ રોડ-શોમાં ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટમાં અગાઉ નીતિન ભારદ્વાજ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હવે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સાબરિયાએ ટ્વીટ કરી સંક્રમિત થયાની જાણકારી આપી અને સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. અત્યાર સુધીમાં યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ, અમદાવાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી સહિતના શહેર ભાજપના અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. આ તરફ સુરતમાં પણ ભાજપના અનેક નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં કોરોના વિસ્ફોટ
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. બીજી તરફ 1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696, વડોદરા કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98, કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયા છે.