મોરબીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાઈ ગયા છે.


કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી ટિકિટ ન મળી એટલે હું ખુબ જ દુઃખી થઈ ગયો હતો. મારી સાથે જે અન્યાય થયો છે, તે સહન ન કરી શકતા હું ભાજપમાં જોડાયો છું. હવે વિકાસના કામોમાં હું સહભાગી થઇશ. જિલ્લા પંચાયતમાં હું મારા કાંડાના જોરે જીત્યો હતો. મારી જેવા તાકાતવાળા કાર્યકરની નોંધ લીધી નથી, તેથી હું ભાજપમાં જોડાયો છે. વારંવાર રજૂઆત કરતા ન સાંભળતા હું ભાજપમાં જોડાયો છું.



કોંગ્રેસમાંથી જયંતી જેરાજને ટિકિટ મળતા કિશોરભાઈ નારાજ હતા. આજે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં કિશોર ચીખલીયા જોડાયા હતા. કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.



કિશોર ચીખલીયા કોંગ્રેસના ટિકિટના મહત્વના દાવેદાર હતા. કિશોર ચીખલીયા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આઇ.કે. જાડેજાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા લોકોને કોઈ હોદ્દો આપવામાં આવતો નથી. કોંગ્રેસના લોકો ભાજપમાં માત્ર કાર્યકર તરીકે જ જોડાય છે. ચૂંટણી સમયે ભાજપમાં જોડાવા ઇચ્છતા લોકોનું સ્વાગત છે.