રાજકોટઃ સુરતની યુવતીને ટિકટોકથી પરિચયમાં આવેલા રાજકોટના યુવક સાથે લગ્ન કરતા પછતાવાનો વારો આવ્યો છે. યુવતીને પૈસાદાર હોવાનો તેમજ ઘર અને ગાડીઓ હોવાનું જણાવી યુવકે તેની સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્નના બીજા જ દિવસે યુવકની વાસ્તવિકતા ખબર પડતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતે છેતરાયાની જાણ થતાં યુવતી રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિથી છૂટકારો મેળવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડતી યુવતીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.


મળતી વિગતો પ્રમાણે, મૂળ સુરતની અને ભરુચમાં હોસ્ટેલમાં રહીને કોલેજ કરતી યુવતી ટિકટોકથી રાજકોટના યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્ક વધતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દરમિયાન યુવક કાર લઈને યુવતીને મળવા માટે ભરુચ આવ્યો હતો. આ સમયે તેણે રાજકોટમાં પોતાનું ઘર, કાર અને ઉંચો પગાર હોવાનું જણાવ્યું હતું. આમ, યુવતીની દિલ જીત્યા પછી તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.



યુવતીએ પણ યુવકની આર્થિક સદ્ધરતા અને દેખાવ જોઇને લગ્ન માટે હા પાડી દીધી હતી. આ પછી ગત 6 ઓક્ટોબરના રોજ યુવક તેને લઈને બગસરાના આદપુર પહોંચ્યો હતો. તેમજ અહીં 9 ઓક્ટોબરના રોજ નોટરી સમક્ષ લગ્ન કરી લીધા હતા. આ પછી બીજા દિવસે 10મી ઓક્ટોબરના રોજ યુવક પ્રેમિકામાંથી પત્ની બનેલી યુવતીને રાજકોટ સ્થિત પોતાના ઘરે લઈને પહોંચ્યો હતો. અહીં પહોંચતા જ યુવતી ચોંકી ઉઠી હતી. કારણ કે, ઘરમાં જરૂરિયાતનો સામાન પણ નહોતો.

આ અંગે પ્રેમીમાંથી પતિ બનેલા યુવકને પૂછતા તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાનું ઘર, કાર અને ઉંચો પગાર હોવાની ખોટી વાત કરી હતી. તેમજ તે જ્યાં કામ કરે છે, ત્યાં 10થી 15 હજાર પગાર મળતો હોવાનું જણાવ્યું હતું. તેમજ ધીમે ધીમે બધું સારું થઈ જશે, તેમ કહ્યું હતું. જોકે, યુવતીએ છેતરાઇ હોવાનું જણાવતા તેણે પોતાના મામાને વાત કરી હતી, પરંતુ મામાએ ઘરેથી પૂછ્યા વગર ગઈ હોય હાથ અધ્ધર કરી દીધા હતા.



આ પછી યુવતી પતિના ઘરેથી લોટ લેવાના બહાને નીકળી હતી અને રીક્ષામાં બેસીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી હતી. અહીં તેણે હાજર પોલીસ અધિકારી સમક્ષ પોતાન આપવીતી જણાવી હતી. બીજી તરફ યુવતીના પરિવાજનો પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી પોલીસે યુવકને બોલાલ્યો હતો. અહીં તેની પૂછપરછ કરી યુવતીને તેમના મામાને સોંપી દીધી હતી.

યુવતીએ પોલીસ ફરિયાદ ન કરવાનું અને માત્ર છૂટાછેડા લેવાનું જણાવ્યું હતું. જેથી તેની માંગણી પ્રમાણે તેને તેના વાલીઓ સાથે જવા દેવામાં આવી હતી. હવે યુવતી નવસારી જઈને છૂટાછેડા માટે કાર્યવાહી કરશે.