રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે, ત્યારે IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દર્દીઓનો દાખલ થવાનો રેસિયો વધ્યો છે. પહેલા માત્ર 1 ટકો દર્દીઓને દાખલ કરવા પડતા હતા હવે 5 થી 6 ટકા દર્દીઓને દાખલ કરવા પડે છે. 20 ટકા દર્દીઓને ડેલ્ટા વાઇરસની અસરો છે. અમુક દર્દીઓને ઓક્સિજન અને રેમડેસિવરની જરૂરિયાત પડી રહી છે. 



તેમણે કહ્યું કે, આપણે લાસ્ટ વીકમાં માનતા હતા કે બધું માઇલ્ડ રહેશે અને લગભગ 90 ટકા લોકો સ્વસ્થ થઈ જશે. પરંતુ છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલાઇઝેશન વધી રહ્યું છે. ઉંમરલાયક અને કોમોરબીટ લોકોનો હોસ્પિટલાઇઝેશનનો રિસિયો ખૂબ જ વધી ગયો છે. 80-90 ટકા લોકોમાં ઓમિક્રોન તો છે જ. 10 ટકા લોકોમાં ડેલ્ટા પણ જોવા મળે છે. તેમણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી હતી અને કહ્યું કે, વીકનેસ લાગે, ઓક્સિજન લેવલ ઘટે અને દર્દી ખાય નહીં તો સિટી સ્કેન કરાવી લેવું હિતાવહ છે. આવા દર્દીઓને રેમડેસિવર સહિતની સારવાર આપીએ તો તે દર્દી બહાર નીકળી શકે છે. પણ હવે ચિંતામાં થોડા વધારો થઈ રહ્યો છે. 


તેમણે કહ્યું કે, ઉંમર લાયક લોકોમાં હોસ્પિટલાઇઝેશન એક ટકા જ હતું, જે વધીને 5 ટકા સુધી પહોંચી ગયું છે. છેલ્લા 3 દિવસથી રાજકોટમાં મૃત્યુદર પણ વધી રહ્યો છે. રાજકોટ સિટીમાં હજુ સ્પ્રેડ 8થી 10 દિવસ ચાલશે. પણ હોસ્પિટલાઇઝેશન મહિના સુધી ચાલું રહેશે તેવું લાગે છે. 


ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. જોકે, કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં કોરોનાથી 30 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 લોકો મોતને ભેટ્યા હતા. આમ, કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ઘટી હોવા છતાં લોકોએ હજુ ચેતવાની જરૂર છે. કારણ કે, દૈનિક કેસો ઘટવાની સામે મૃત્યુઆંકમાં કોઈ ઘટાડો નોંધાયો નથી અને મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. 


છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા મૃત્યુઆંકના વાત કરીએ તો, ખાલી છેલ્લા પાંચ દિવસમાં 126 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદ શહેરમાં છે. પાંચ દિવસમાં 39 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. તારીખ પ્રમાણે વાત કરીએ, તો 28 જાન્યુઆરી ગુજરાતમાં 30 દર્દીઓના મોત, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા હતા. 27મી જાન્યઆરીએ ગુજરાતમાં 22 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાંથી અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મોત થયા હતા. 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં 21 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 લોકોના મોત નીપજ્યા. 25મી જાન્યુઆરીએ ગુજરાતમાં 28 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 દર્દીઓના મોત નીપજ્યા હતા. 24મી જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાથી 25 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. 


ગુજરાતમાં કોરોનાં સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુ દર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે. અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉન ફોલ શરૂ થયો છે. અલબત્ત કોમોરબીટ કન્ડિશન અને અન્ય કારણોસર મૃત્યુદરમાં થોડો વધારો જરૂર થયો છે. આરોગ્ય વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી એક બે અઠવાડિયામાં કોરોના કેસ અને મૃત્યુદરમા પણ ઘટાડો થશે. અન્ય દેશમાં પણ જે ટ્રેન્ડ હતો કે પિક પર ગયા બાદ એક બે અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ એકદમ ઘટ્યું હતું તેવુ જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે.