રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના પુત્ર અંશને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, મોટા નેતા હોવા છતાં રાજકોટ સિવિલમાં દાખલ થઈને ઉદાહરણ પૂરું પાડ્યું છે. બન્નેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પરિવારજનો હોમકોરેટાઇન થયા છે.


નોંધનીય છે કે, આ પહેલા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરના ભાજપના સાંસદ રમેશ ધડૂક અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ચાર સાંસદો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજકોટમાં આજે મેયર બીનાબેન આચાર્યના પતિને પણ કોરોના આવ્યો છે. જેથી મેયર બીનાબેન હોમ ક્વોરેન્ટાઇન થયા છે.

હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે.

રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4396 એક્ટિવ કેસો છે. જ્યારે 12,442 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 255 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2006 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 462, જામનગરમાં 423, અમરેલીમાં 388, સુરેન્દ્રનગરમાં 264, જૂનાગઢમાં 263, મોરબીમાં 193, દેવભૂમિ દ્વારકામાં 122, બોટાદમાં 106 અને પોરબંદરમાં 22 એક્ટિવ કેસો છે.