રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજકોટના મેયર બીનાબેન આચાર્યના પતિને કોરોના થયો છે. પતિ જ્યેન્દ્રભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. બે સાંસદો પણ ગુજરાતમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે.
રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4396 એક્ટિવ કેસો છે. જ્યારે 12,442 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 255 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2006 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 462, જામનગરમાં 423, અમરેલીમાં 388, સુરેન્દ્રનગરમાં 264, જૂનાગઢમાં 263, મોરબીમાં 193, દેવભૂમિ દ્વારકામાં 122, બોટાદમાં 106 અને પોરબંદરમાં 22 એક્ટિવ કેસો છે.
રાજકોટઃ પતિને કોરોના થતા મેયર બીનાબેન આચાર્ય થયા હોમ ક્વોરેન્ટાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 03:54 PM (IST)
પતિ જ્યેન્દ્રભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટના મેયર બીનાબેન આચાર્ય 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -