રાજકોટઃ રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.


ઇન્દ્રનીલના આ નિવેદનના કારણે વિવાદ પેદા થયો છે. રાજકોટમાં વિવાદસ્પદ ભાષણ બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ ભાષણનો એક કટકો જ ભાજપે વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે લોહી ચડાવીએ તો ક્યારેય પૂછતાં નથી કે આ લોહીના કોનું છે. હું ધારાસભ્ય થયો એ પહેલા જંગલેશ્વરમાં તોફાનો થતા. હું એકતામાં માનું છું. 


તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું સર્વધર્મ સમભાવની વાત કરતો હતો. કોઇ પણ ધર્મ અને સંપ્રદાયનું અપમાન નહોતો કરવા માંગતો. મોરારી બાપુ અલ્લાહનો નારો લગાવે ત્યારે કેમ કોઇ વાંધો નહીં.


ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય.હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.


 ‘હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ’; ભાજપના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન


Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું


કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ


કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી