રાજકોટઃ  ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામની મુલાકાતે જઈ રહ્યા છે. ગઈ કાલે દિલ્લી ખાતે મહિલા આયોગમાં હાજર થયા પછી આજે તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા છે. તેઓ રાજકોટથી સીધી ખોડલધામ જશે. તેમના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા છે.


રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને રાજકોટ ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર વસરામ સાગઠીયાએ હળવી પળો માણી હતી. એકબીજાની મજાક કરતા જોવા મળ્યા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ગોવિંદ પટેલ સહિતના નેતાઓ રાજકોટ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્વાગત કરવા પહોંચ્યા. તો બીજી બાજુ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના સ્વાગત માટે કાર્યકરો તલપાપડ.