જામરાવલઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામરાવલ-કલ્યાણપુર વચ્ચે ના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. સાની અને દૂધી નદી ના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે. તાલુકા મથક કલ્યાણપુર અને દ્વારકા વચ્ચેનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. રસ્તો ઉંચો કર્યો છતાં પાણી ફરી વળ્યા હતા. કોન્ટ્રકટરની બેદરકારીના કારણે રસ્તો પસાર કરવો મુશ્કેલ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.
રાવલ નજીકના રાણપરડાંની સિમ વિસ્તારમાં સોરઠીના પાણી ફરી વળ્યાં હતા. પાણી ફરી વળતા પશુઓને રસ્તા ઉપર બાંધવા પડ્યા હતા. જામરાવલમાં ndrf દ્વારા રેસ્ક્યું કરીને 11 લોકોને સહીસલામત સ્થળે ખસેડાયા છે. બોટથી તમામનું રેસ્ક્યૂ કરાયું હતું. નીલકંઠ મહાદેવના મંદિર નજીક અન્ન ક્ષેત્રમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ કરાયું છે. સંતોષી માતાના મંદિરમાં રહેતા પરિવાર માટે એનડીઆરએફની ટિમ પહોંચી હતી.
જૂનાગઢમાં કેશોદના બામણાસાની નદીના પૂરમાં દીપડો આવી ચડ્યો હતો. ઘેડ પંથકના પુરમાં દીપડો આવી ચડતાં નાના બાળકે ચીસાચીસ અને રડારડ કરી મૂકી હતી. ઓઝત નદીમાં આવેલ પુરમા દીપડા તણાઈ આવ્યો હતો. નદીના પૂરની સામે લડી દીપડો કિનારે પહોંચ્યો હતો. એક તરફ પૂરનો ભય બીજી તરફ દીપડાના ભયમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દીપડાએ ઝાડી-ઝાંખરામાં જીવ બચાવવા આશરો લીધો.
અમરેલી જિલ્લામાંથી વધુ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો આવ્યા સામે. ગઈ કાલે અતિ ભારે વરસાદના કારણે ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે 2 મોટા રેસ્કયુ ઓપરેશન થયા. અમરેલી તાલુકાના બાબાપુર નજીક સાતલડી નદીના પુરમાં 19 લોકો સવાર સાથે ખાનગી બસ ફસાઇ હતી. અમરેલી તાલુકા પોલીસ ટીમ અને સ્થાનિક માણસો દ્વારા દોરડા બાંધી રેસ્કયુ ઓપરેશન કરી બચાવી લેવાયા. લીલીયાના ભોરિંગડા નજીક 2 વ્યક્તિ પુરમાં ફસાય જતા રાત્રે રેસ્કયુ ઓપરેશન ચાલ્યું. ભોરિંગડા NDRFની ટીમ અને સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત રેસ્કયુ કામગીરીમાં જોડાયા હતા. તમામ લોકોને બચાવી લેવાયા.
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
માંગરોળના મીતી ગામે વિજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચંદવાણા ગામે મકાન ઉપર વિજળી પડતાં પ્લાસ્ટર તુટયું હતું. સદનશીબે જાનહાની ટળી છે. તો બીજી તરફ માંગરોળના ગોરેજ ગામે ખેતરોમાં એક ફુટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે ફાર્મહાઉસ તેમજ રૂદલપુર ગામે લોકોના ઘરોમાં પાણીઘુસ્યાના બનાવો સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના ગામડાઓમાં છેલ્લા 15 કલાકથી વિજળી થઈ છે ગુલ તો બીજી તરફ પીજીવીસીએલના કોઇપણ માંગરોળના અધિકારીઓ ફોન નહી ઉપાડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.