Anirudhsinh Jadeja: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે આપેલી રાહત ગણતરીના કલાકોમાં જ રદ્દ કરી નાંખી છે, હવે ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જશે. ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને 1988ના હત્યા કેસમાં જેલવાસ થયો હતો, તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, આ ઉપરાંત તેમનું નામ તાજેતરમાં જ થયેલા પાટીદાર યુવક અમિત ખુંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યુ હતુ.  

Continues below advertisement

રાજકીય અને કાનૂની મુદ્દાઓ વચ્ચે ફસાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વધુ એક ઝટકો મળ્યો છે. હજી ગાઈકલે જ સુપ્રીમ કોર્ટે તેમને આપેલી 7 દિવસની રાહત પાછી ખેંચી લીધી છે અને આજે હાજર થવાનો આદેશ આપી દીધો છે. ગઇકાલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં સરેન્ડર માટે થોડો સમય માંગ્યો હતો, જેને ધ્યાનમાં લઈને કોર્ટે 7 દિવસની રાહત આપી હતી. આમાં આજે થયેલી સુનવણી દરમિયાન સામે પક્ષ દ્વારા મજબૂત દલીલો અને અરજી રજૂ કરવામાં આવી હતી. આ દલીલોના આધારે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને અપાયેલ રાહત પરત ખેંચવાનો નિર્ણય લીધો. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં હાજર થવાનો કાલે છેલ્લો દિવસ હતો. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળતા પોપટ સોરઠીયાનાં પ્રપોત્ર હરેશ સોરઠીયાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું. ત્યાર બાદ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મોકુફી રદ કરી 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડરનો આદેશ કર્યો હતો. જો, હાઈકોર્ટનાં આદેશને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે સજા મોકૂફી રદ કરવાના હાઇકોર્ટના આદેશને ગ્રાહ્ય રાખ્યો હતો. 

શું હતો એ સમગ્ર કેસ ? 15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપો અનુસાર રાજકીય દુશ્મનાવીના લીધે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હત્યા અંજામ આપી હતી. આ ગંભીર કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ તરફ અનિરુદ્ધસિંહે 18 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. 29 જાન્યુઆરી, 2018ના રોજ સજા માફી માટેની ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય હવે રદ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ફરીથી સરેન્ડર કરવાની ફરજ પડી છે.

Continues below advertisement

અનિરુદ્ધસિંહનું નામ માત્ર એક હત્યા કેસમાં જ નહીં પણ પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ આ કેસમાં ફરાર છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમને હજુ સુધી પકડી શકી નથી. અનિરુદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ પણ જમા કરાવી દીધો છે. તેમ છતાં, હવે હાઈકોર્ટના આદેશ અનુસાર તેમને આજના દિવસના અંત સુધીમાં જેલમાં આત્મસમર્પણ કરવું ફરજિયાત છે. જો તેઓ આવું ન કરે, તો તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શક્ય બની શકે છે.