રાજકોટઃ ગુજરાતમાં પહેલી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે આ વર્ષે ફરીથી ખાનગી સ્કૂલોમાં ફી માફીની માંગ ઉઠી છે. રાજકોટના વાલીઓએ ખાનગી સ્કૂલોની ફીમાં 50 ટકા રાહત માંગી છે. વાલીઓએ આ માટે નિવેદન આપ્યું છે કે, ઓનલાઈનમાં શિક્ષણ છે તો પુરી ફી શેની. 50 ટકા ફીમાં રાહતો ખાનગી સ્કૂલો આપે. ધોરણ 10માં આ વખતે ડબલ એડમિશન થવાના છે, જેનો ફાયદો શું વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા આપવામાં આવશે. વાલીઓએ કહ્યું એક તરફ સ્કૂલોની આવકો પણ વધશે, તો બીજી તરફ કેટલી ફીમાં રાહત મળશે તે ખાનગી સ્કૂલો જણાવે. 


બીજી તરફ ગુજરાતની સ્કૂલોમાં ફી માફી આપવાની કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે. સ્કૂલ-કોલેજોમાં રાહત આપવા કોંગ્રેસે માંગ કરી છે. 2 વર્ષ માટે સ્વનિર્ભર શાળાઓમાં 50% ફી રાહતની માંગ કરી છે. હાલ કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જેથી ફીમાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે.  લોકોને રાહત મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. 

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ફીમાં આ વર્ષે પણ 25 ટકાની રાહત, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? 


ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોના મહામારીના કારણે ગયા વર્ષે રાજ્યની ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં 25 ટકાની રાહત આપી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી ફીમાં 25 ટકા રાહત યથાવત્ રહેશે.


ગુજરાત સરકારની આ જાહેરાત સામે ખાનગી સ્કૂલ સંચાલકો રોષે ભરાયા છે. તેમણે જાહેરાત કરી છે કે, આ વર્ષે કોઈ પણ સંજોગોમાં ફીમાં રાહત આપવી પરવડે તેમ નથી એટલે અમે વાલીઓને ફીમાં રાહત નહીં આપી શકીએ. તેમણે કહ્યું કે, ખાનગી સ્કૂલ સંચાલકોને ચાલુ વર્ષે ફીમાં કાપ માન્ય નથી અને તે યોગ્ય પણ નથી.  સરકારે એક પક્ષે નિર્ણય ન કરવો જોઈએ એનું જણાવીને તેમણે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.


તાજેતરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન અપાયું હતું કે, ખાનગી સ્કૂલોમાં  ફીમાં 25 ટકા રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. તેની સામે ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું છે કે, ગત વર્ષે 25 ટકા ફીની રાહત આપવાની સરકારની જોગવાઈ જે તે સમય માટે યથાર્થ હશે કારણ કે, તે સમયે પૂર્ણ લોકડાઉન હોવાથી રોજગાર- ધંધા સંપૂર્ણ બંધ હતા અને લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો.  


આ વખતે આંશિક લોકડાઉનને લીધે ધંધા- રોજગાર પર પ્રમાણમાં ઓછી અસર પડી છે, જેથી આ 25% સુધીની રાહતનો મુદ્દો સર્વ રીતે અયોગ્ય છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડે કહ્યું કે, 2019-20માં કોઇ પણ શાળાને ફી વધારો કરવાની મંજૂરી અપાઇ નહોતી. ઉપરાંત 2020-21 માં 25% ફી કાપ અપાયો તેમ છતાં 50% જેટલા વાલીઓએ ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે, જેની માઠી અસર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભોગવી રહ્યું છે.