Gujarat Rain Update: રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. અતિ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


 



તો બીજી તરફ અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. રાજુલાના દાતરડી ગામ નજીક રોડ ઉપરના ખાડા ઉપર પાણી ભરાતા હાઈવે બંધ કરાયો છે. વરસાદ પડતાં ખાડાઓ પાણીથી છલોછલ ભરાતા ભારે વાહનો અટવાયા છે. ટ્રકો સહિત ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોએ અધૂરા મુકેલા કામના કારણે વાહન ચાલકો પરેશાન છે. નેશનલ ઓથોરિટી દ્વારા વ્યવસ્થા નહિ થતા ગામ લોકોએ જાતે જેસીબી બોલાવી વાહન વ્યવહાર શરૂ કરવા કવાયત શરૂ કરી છે.


સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જયારે આજે લીંબડી શહેર તેમજ આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. લીંબડી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  લીંબડી શહેરમાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.


લીંબડી શહેરના મુખ્ય માર્ગ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. વરસાદ આવતા ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે. લીંબડી શહેરના છાલીયા પરા વિસ્તારમાં છેલ્લા બે કલાક વધુ સમયથી વીજ પુરવઠો પણ બંધ થઇ જવા પામ્યો છે. જ્યારે ચુડા તાલુકાના ગામ ભૃગુપુરમાં વાડી વિસ્તારમાં બે લોકો ઉપર વીજળી પડતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તેમજ ગોખરવાળા ગામમાં માતાજીના મંદિરના ઘૂંઘટ ઉપર વીજળી ત્રાટકી હતી તેમાં મંદિરના ઘૂંઘટને નુકશાન પહોંચ્યું હતું.


અમરેલી જિલ્લામાં મેઘ સવારી યથાવત છે. અમરેલી જિલ્લાના લાઠી બાબરા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજુલાના સાજણવાવની સાજણી નંદીમા પુર આવ્યુ છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ, તુરખા રોડ, સાળગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.


નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં રાત્રે 12 થી 4 વાગ્યના 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારી શહેર અને તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા નીચે મુજબ છે.



  • નવસારી : 66 મિમી (2.64 ઇંચ)

  • જલાલપોર : 129 મિમી (5.16 ઇંચ)

  • ગણદેવી : 37 મિમી (1.48 ઇંચ)

  • ચીખલી : 20 મિમી (0.8 ઇંચ)

  • ખેરગામ : 05 મિમી (0.2 ઇંચ)

  • વાંસદા : 41 મિમી (1.64 ઇંચ)


ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સિહોર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સિહોર પંથકના સોનગઢ, સણોસરા, અમરગઢ, રામધરી, બુઢણા, ભાવુપરા, ગઢુલા, ખાંભા, ઝરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલ ધોધમાર વરસાદને લઈ સિહોર-રાજકોટ હાઇવે રોડનો વાહન વ્યવહાર થંભી ગયો છે. 30 મિનિટથી સિહોર પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધમરોળી રહ્યા છે. હાઇવે રોડ ઉપર વરસાદને લઈ વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી રહી છે.


રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ શરૂ થયો છે. કાળીપાટ, ત્રંબા, મહીકા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આઠ દિવસના વિરામ બાદ ફરી રાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ નિંદામણ કાર્ય અને સાતી હાંકવાની શરૂ કર્યું ત્યાં જ ફરી વરસાદ શરૂ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું રાઉન્ડ શરૂ થયો છે. જો સતત વરસાદ અને ભારે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થશે. જો કે હળવા અને મધ્યમ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. કપાસ-મગફળી સહિતના પાકમાં ફાયદો થશે.