Gujarat Weather News: એપ્રિલ મહિનામાં સૂર્યદેવ કહેર વર્તાવી રહ્યાં છે. મે-જૂનથી પણ વધુ ખતરનાક રીતે ગરમીનો પારો અપ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ-છ દિવસોમાં ગરમીનો પારો હજુપણ ઉપર જવાની શક્યતા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર એકદમ ગરમ રહ્યો હતો. બુધવારે રાજકોટ ગરમીની આગમાં શેકાયુ હતુ, શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ઉપરાંત કંડલામાં પણ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. 

ગુજરાતમાં હાલમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે, સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, આગ ઝરતી ગરમીમાં રાજકોટ બરાબરનું શેકાયુ છે, ગઇકાલે એટલે કે બુધવારના આંકડા પર નજર કરીએ તો, બુધવારે કંડલામાં તાપમાનનો પારો 45.6 ડિગ્રી પહોંચ્યો હતો, તો વળી, રાજકોટમાં તાપમાનનો પારો 45.2 સુધી પહોંચ્યો હતો, રાજકોટ સૌથી ગરમ શહેર પણ બન્યુ હતુ. ખાસ વાત છે કે, રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદ સહિત 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ ગરમીની આગાહી કરી છે. આજે પણ 9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ,મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર,પોરબંદર,ભાવનગર,પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠામાં ગરમીનું ઓરેંજ એલર્ટ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો હવે અન્ય રાજ્યોમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે બુધવારે દિલ્હી NCRમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસોમાં દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે.આ સાથે તાપમાનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ સહિત ઉત્તરીય મેદાનોના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ છે.

ભીષણ ગરમી વચ્ચે રાજકોટમાં પ્રશાસનનો મહત્વનો નિર્ણય, બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

ભીષણ ગરમી વચ્ચે રાજકોટમાં પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકરા તાપના કારણે સરકારી સ્કૂલોનો સમય પણ સવારનો કરાયો છે. જાહેર સ્થળોએ ORS-છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દવાનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે. સોમવારે રાજકોટમાં ઉનાળાની સીઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. આકરા તાપના કારણે શહેરમાં બપોરના સમયે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી શાળાઓનો સમય સવારનો કરાયો છે. એટલે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવા સૂચના અપાઈ છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ORS અને છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવા માટે નિર્દેશ અપાયા હતા. હીટવેવની સ્થિતિ વચ્ચે ઝાડા, ચક્કર સહિતના કેસો પણ વધતા હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓમાં દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવાના નિર્દેશ અપાયા હતા.  ભીષણ ગરમીના કારણે અમદાવાદમાં ઈમરજન્સીના કેસમાં વધારો કરાયો હતો. 10 દિવસમાં 108ને ગરમીને લગતા કેસોના 232 કોલ મળ્યા હતા. 10 દિવસમાં હીટસ્ટ્રોક સહિત વિવિધ રોગના 232 કેસ નોંધાયા હતા. ડિહાઈડ્રેશન, ઝાડા-ઉલટી, પેટના દુઃખાવાના 108ને 232 કોલ મળ્યા હતા. રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજંસીના 902 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 28 માર્ચે સૌથી વધુ 26 કોલ મળ્યા હતા.