Gyan Prakash Swami apology: જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિવાદનો આખરે અંત આવ્યો છે. લાખો ભક્તોની માંગણી અને રઘુવંશી સમાજના આક્રોશને પગલે સ્વામી જ્ઞાન પ્રકાશ આજે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા અને જાહેરમાં માફી માંગી હતી.
થોડા દિવસો પહેલાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે એક ટિપ્પણી કરી હતી, જેના કારણે રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. લોકોએ સ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને તેમની માફીની માંગણી કરી હતી.
પ્રથમ પ્રતિભાવ રૂપે, સ્વામી જ્ઞાન પ્રકાશે એક વિડિયો બનાવીને માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો આક્રોશ શાંત થયો ન હતો. લાખો લોકોની માંગણી હતી કે સ્વામી જાતે વીરપુર આવે અને જલારામ બાપાના મંદિરે માફી માંગે. લોકોની લાગણી અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આખરે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવવા માટે તૈયાર થયા હતા.
આજે સવારે, સ્વામી જ્ઞાન પ્રકાશને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર લાવવામાં આવ્યા હતા. તેઓ બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા હતા, પરંતુ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીને સીધા મંદિરના પાછળના ભાગેથી મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે જલારામ બાપાના ચરણોમાં માથું નમાવી માફી માંગી હતી.
નોંધનીય છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી તાજેતરમાં જલારામબાપા વિશે કરેલી એક ટિપ્પણીને લઈને વિવાદમાં સપડાયા હતા. સ્વામી દ્વારા કરવામાં આવેલા નિવેદનથી રઘુવંશી સમાજ અને જલારામબાપાના લાખો ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને, સ્વામીએ તાત્કાલિક માફી માંગી હતી, પરંતુ તેમ છતાં આ મુદ્દો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. આવતીકાલે યાત્રાધામ વીરપુરમાં આ મામલે રઘુવંશી સમાજ અને ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવનાર હતી.
સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામબાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીમાં તેમણે દાવો કર્યો હતો કે જલારામબાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જલારામબાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી સદાવ્રત કાયમી ધોરણે ચલાવવા માટે આશીર્વાદ માંગ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ ભંડાર કાયમ ભરેલો રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. વધુમાં, સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા હતા, ત્યારે જલારામબાપાએ તેમને દાળ અને બાટી જમાડ્યા હતા.
આ નિવેદન જલારામબાપાના ભક્તો અને રઘુવંશી સમાજને ગમ્યું ન હતું અને તુરંત જ તીવ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. લોકોએ સ્વામીના નિવેદનને જલારામબાપાના ઇતિહાસ સાથે ચેડાં કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
જલારામબાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જલારામબાપાએ 205 વર્ષ પહેલાં ભોજલારામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાખો ભક્તો આ સત્ય જાણે છે અને સ્વામીના નિવેદન સાથે ગાદીપતિ કે જલારામબાપા પરિવારનું કોઈ સમર્થન નથી.
વીરપુરના ગ્રામજનો, રઘુવંશી સમાજ અને જલારામબાપાના ભક્તોએ એકસૂરે સ્વામી જ્ઞાન પ્રકાશની ટિપ્પણીને વખોડી કાઢી હતી. તેઓએ માંગ કરી હતી કે સ્વામી જલારામબાપાના ઇતિહાસ વિશે આવી ટિપ્પણીઓ કરવાનું બંધ કરે અને જો તેમની પાસે કોઈ આધારભૂત સાહિત્ય હોય તો તે વીરપુર લઈને આવે. લોકોએ જલારામબાપાના ઇતિહાસ સાથે કોઈ પણ પ્રકારના ચેડાં નહીં સાંખી લેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને સદાવ્રત ભોજલારામ બાપાના આશીર્વાદથી જ ચાલતું રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશ કદાચ પોતાના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્પણી કરી રહ્યા હશે.
આ પણ વાંચો....
જ્ઞાન પ્રકાશ સ્વામીની જલારામબાપા પર ટિપ્પણીથી રઘુવંશી સમાજ લાલધૂમ, આવતીકાલે સમાજની બેઠક